June 14, 2025 7:15 am

Search
Close this search box.

ઓલપાડ તાલુકાના ઈશનપોર ગામની પાયલબેન પટેલ ‘ડ્રોન દીદી’ તરીકે બની પ્રેરણારૂપ

ઓલપાડ તાલુકાના ઈશનપોર ગામની પાયલબેન પટેલ ‘ડ્રોન દીદી’ તરીકે બની પ્રેરણારૂપ 

એકાઉન્ટની નોકરી છોડી ડ્રોન ઓપરેટર તરીકે કારકિર્દી શરૂ કરી મેળવી સફળતાઃ બે વર્ષમાં ડ્રોન મશીનથી ખેતરમાં દવાનો છંટકાવ કરી રૂ.૫.૫૦ લાખની આવક પ્રાપ્ત કરી

ટકારમાં :  ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં મહિલા સશક્તિકરણને ટેકનોલોજી સાથે સંકલિત કરીને રાજ્ય સરકાર દ્વારા પરિવર્તન લાવવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૃઢ નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત “નમો ડ્રોન દીદી યોજના” અંતર્ગત અનેક ગામડાની મહિલાઓ આજે આત્મનિર્ભર બનવાની યાત્રા પર આગળ વધી રહી છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં નાનકડા ગામ એવા ઇશનપોરમાંથી નીકળેલી પાયલબેન પટેલ આજે ‘ડ્રોન દીદી’ તરીકે ઓળખ પ્રાપ્ત કરી છે. ટેકનોલોજી અને આત્મનિર્ભરતા સાથે ગ્રામિણ જીવનમાં ક્રાંતિ લાવનારી પાયલબેનની સફર એ ગુજરાતના મહિલા સશક્તિકરણની જીવતી ઝાંખીરૂપ બન્યા છે.
         ખેતી આધારિત પરિવારમાંથી આવતા પાયલબેને સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલી ગર્લ્સ પોલીટેકનિક કોલેજમાંથી ડિપ્લોમા કોમર્શિયલ પ્રેક્ટિસનો અભ્યાસ પ્રાપ્ત કર્યો. ત્યારબાદ તેમણે એક ખાનગી કંપનીમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરી, જ્યાં તેમને મહિને રૂ.૧૨ હજારનું વેતન મળતું. પરંતુ જીવનમાં કંઈક નવું કરવાનો વિચારથી તેમણે નોકરી છોડીને ટેકનોલોજીના ક્ષેત્રમાં પગ મૂક્યો અને ડ્રોન ઓપરેટર તરીકે પોતાના વ્યવસાયની શરૂઆત કરી.
વર્ષ ૨૦૨૩માં પાયલબેને પુણે ખાતે યોજાયેલી ૧૫ દિવસની વિશિષ્ટ તાલીમ મેળવી. આ તાલીમમાં તેમને ડ્રોન ઉડ્ડયન, સંચાલન તથા તેના નિયમો અંગે ટેકનિકલ જ્ઞાન આપવામાં આવ્યું. તાલીમ પૂર્વે IFFCO દ્વારા લેવાયેલ ઈન્ટરવ્યૂ અને લેખિત પરીક્ષા સફળતાપૂર્વક પાસ કર્યા બાદ તેમને સરકારી સહાય હેઠળ રૂ.૧૫.૩૦ લાખના સાધનોમાં મિડિયમ સાઇઝનો ડ્રોન, ઈ-વ્હીકલ ટેમ્પો અને જનરેટર વિનામુલ્યે પ્રાપ્ત થયાં.
         તાલીમ પૂર્ણ કર્યા બાદ પાયલબેને ઓલપાડ તાલુકાના ૩૬ થી વધુ ગામોમાં ખેતીવાડી પાકોમાં ડ્રોન દ્વારા જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી શરૂ કરી. માત્ર બે વર્ષમાં તેઓએ રૂ.૫.૫૦ લાખથી વધુની આવક હાંસલ કરી છે, જે અગાઉની નોકરી કરતા અનેકગણી વધુ છે.
          પાયલબેન જણાવે છે કે, ડ્રોન ઓપરેટ કરવું અત્યંત જવાબદારીભર્યું કાર્ય છે. ખેતરનો નક્શો ડ્રોનમાં ફીડ કરીને કમ્પાસ કેલિબ્રેશન દ્વારા ચોકસાઇથી ડ્રોનને નિર્ધારિત વિસ્તારમાં ઉડાડવો પડે છે.
         તેમણે પોતાના અનુભવ વર્ણાવતા કહે છે કે, ડ્રોન મશીનથી દવાના છંટકાવથી સમય, દવા અને પાણીની બચત થાય છે અને ખેતર પર વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત થાય છે. ખાસ કરીને ઊંચા પાકોમાં જેમ કે શેરડીના પાકમાં આ ટેક્નિક ખૂબ અસરકારક સાબિત થઈ છે. એક એકર જમીન પર માત્ર સાત મિનિટમાં છંટકાવ શક્ય બને છે.
આજે પાયલબેન ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં લોકપ્રિયતા મેળવી ચૂકયા છે અને તેમની પાસે સતત નવા કાર્ય માટે સંપર્ક થઈ રહ્યો છે. ઘરનાં કામકાજ, પતિ અને ચાર વર્ષની દિકરીની જવાબદારી નિભાવતાં તેઓ પોતાની કાર્યક્ષમતા અને નિષ્ઠાથી ટેકનોલોજી સાથે શાનદાર સંકલન સ્થાપી રહ્યા છે.
         પાયલબેનના પ્રયાસોએ આજની ગ્રામીણ મહિલાઓ માટે નવી દિશા બતાવી છે. તેઓ માત્ર પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકયા છે તેવું નહી પણ આસપાસની મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
         પાયલબેન પટેલ એક એવી “ડ્રોન દીદી”, જેણે ખેતરમાં ટેકનોલોજીની દિશામાં નવો ઈતિહાસ રચ્યો છે અને આજે ગુજરાતના ગ્રામિણ વિકાસ યાત્રામાં એક દ્રઢ પગથિયાં સમાન સાબિત થઈ રહી છે.
તંત્રી : મહેન્દ્રસિંહ માંગરોલા ઓલપાડ

 

Leave a Comment

વધુ વાંચો

Cricket Live Score

Corona Virus

Rashifal

વધુ વાંચો