આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે માંડવી તાલુકાના વિવિધ ગામોમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.૩૦.૨૫ કરોડના ખર્ચે મંજૂર થયેલા ૧૨ રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત

ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ-સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છેઃ આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી
મહેન્દ્રસિંહ માંગરોલા, માંડવી ( ઓલપાડ ) :
આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે માંડવી તાલુકાના વિવિધ વિવિધ ગામોમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.૩૦.૨૫ કરોડના ખર્ચે મંજૂર થયેલા માર્ગ અને મકાન વિભાગ-સુરતના હસ્તકના ૧૨ રસ્તાઓના કામોનું મોરીઠા ગામેથી સામૂહિક ખાતમુહૂર્ત કરાયું હતું.

નિર્માણ પામનાર રસ્તાઓના કામોમાં રૂ.૫.૫૦ કરોડના ખર્ચે ગોડસંબા કરવલ્લી ટીટોઈ સાલૈયા વલારગઢ રોડનું કામ, રૂ.૪ કરોડના ખર્ચે ફેદરી ફળીયા મોરીઠા ઘંટોલી રોડ, રૂ.૩.૪૦ કરોડના ખર્ચે માંડવી મોરીઠા રેગામા રોડ, રૂ.૮૦ લાખના ખર્ચે સ્લેબડ્રેઈન ઓન સઠવાવ કલમકુવા સરકુઈ રોડ, રૂ.૫.૧૫ કરોડના ખર્ચે નરેણ ખરોલી નંદપોર રોડ જોઇનિંગ કિમ માંડવી સ્ટેટ હાઇવે રોડ, રૂ.૪.૬૦ કરોડના ખર્ચે વિસડાલીયા કિમડુંગરા દાદાકુઈ રેગામા રોડ, રૂ.૧.૬૫ કરોડના ખર્ચે ઘંટોલી ગામતળાવ રોડ, રૂ.૧.૩૫ કરોડના ખર્ચે દેવગઢ લુહારવડ રોડ, રૂ.૮૫ લાખના ખર્ચે કોલખડી એપ્રોચ રોડ, રૂ.૭૫ લાખના ખર્ચે ગોદાવાડી ગામે દાદરી ફળિયા ખરોલીગામને જોડતો રોડ, રૂ.૧.૧૦ કરોડના ખર્ચે અમલસાડીથી કાકડવા મોટા ફળિયાને જોડતા રોડ, રૂ.૧.૧૦ કરોડના ખર્ચે કમલાપોર વચલા ફળિયાથી કાકબાળીયાદેવ થઇ ઉમરસાડી ખરોલી મુખ્ય રસ્તાને જોડતા રોડનો સમાવેશ થાય છે. રસ્તાઓના નિર્માણથી માંડવી તાલુકાના ગ્રામજનો માટે સરળ અને સુગમ આવાગમનની સુવિધાઓ ઉભી થશે.

મોરીઠા ગામે આયોજિત ખાતમુહૂર્ત સમારોહમાં આદિજાતિ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માંડવી વિકાસના કામોમાં હરણફાળ ભરી રહ્યું છે. માંડવીના દરેક ગામોમાં વિકાસ કરી રમણીય અને સુવિધાસભર બનાવવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. સરકારે નાનામાં નાના વ્યક્તિને કેન્દ્રમાં રાખી વિકાસકામોની ગતિ તેજ કરી છે.