માંડવી ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની પોલિસ કોન્સ્ટેબલ તથા PSIની શારીરિક કસોટીની પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારો માટે જાગૃતિ સેમિનાર યોજાયો
અકલ્પનીય શક્તિ ધરાવતો સમય માણસને મહેનત અને પ્રયત્નો દ્વારા સફળતા પ્રાપ્ત કરાવવાનો શ્રેષ્ઠ મંચ આપે છે : આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ
માંડવી : આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં માંડવી હાઈસ્કુલના ઓડિટોરીયમ હોલ ખાતે રાજ્ય સરકારની પોલિસ કોન્સ્ટેબલ તથા PSIની શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો માટે કારકિર્દીલક્ષી નિઃશુલ્ક સેમિનાર યોજાયો હતો.
આ પ્રસંગે આદિજાતિ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રથમ કસોટી પાસ કરનાર વિદ્યાર્થીઓને આગળની મુખ્ય પરીક્ષા માટે યોગ્ય માર્ગદર્શન મળે તો સફળતાપૂર્વક આ પડાવ પાર કરી શકે એવા આશયથી કારકિર્દીલક્ષી જાગૃતિ સેમિનારનું આયોજન સરાહનીય છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને નવી દિશા મળશે. મુખ્ય પરીક્ષાની તૈયારી કરવાના સચોટ માર્ગદર્શનથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્તિ માટે સુનિયોજિત અભ્યાસ-વાંચનની પ્રેરણા આપશે.”

મંત્રીશ્રીએ સમયનો સદુપયોગ કરવાની શીખ આપતા જણાવ્યું કે, સમયનો યોગ્ય, સાર્થક ઉપયોગ કરવાથી જીવનને સફળ અને સમૃદ્ધ બનાવી શકાય છે. ઘડિયાળના કાંટાનો ટક-ટક અવાજ આવનારા સારા સમય અને નવી ‘તક’ ઝડપી લેવાનો સંકેત આપે છે, ઘડિયાળના કાંટા અને સમયની પ્રત્યેક પળ આપણા કાર્યપંથ પર ઝડપથી આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડે છે. સખત મહેનત અને આત્મવિશ્વાસથી સપનાઓને હકીકત બદલી શકાય છે એ રાજ્યના અનેક નવયુવાનો, પરીક્ષાઓમાં સફળ થયેલા અધિકારીઓએ સાબિત કર્યું છે.તેમણે માંડવી તાલુકા સહિત દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓને અભ્યાસમાં શ્રેષ્ઠ બનાવવા, ઉજ્જવળ કારકિર્દી તરફ દોરી જવાના કાર્યમાં પોતાનું યોગદાન રહેશે એમ જણાવી વિદ્યાર્થીઓને આવશ્યક મદદ કરવા માટે પણ તત્પર હોવાનું ઉમેર્યું હતું.


આ વેળાએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના અનુભવી તજજ્ઞ વક્તાઓ કલ્પિત પટેલ, અક્ષય પટેલ, નિરજ ભરવાડ, આકાશ પટેલ દ્વારા પરિક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે તા. પંચાયતના પ્રમુખ દિલિપભાઈ ચૌધરી, નગરપાલિકાના પ્રમુખ નિમેષભાઇ શાહ, એપીએમસીના ચેરમેનશ્રી લલ્લુભાઇ ચૌધરી, મામલતદાર જે.આર.મિસ્ત્રી, અગ્રણીઓ આશિષ ઉપાધ્યાય, મિનાક્ષીબેન ચૌધરી, વિવિધ ગામના સરપંચો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : મહેન્દ્રસિંહ માંગરોલા ( માંડવી, ઓલપાડ )