ટકારમા : ઓલપાડમા આવેલ અને સિધ્ધનાથ મહાદેવના ભકત એવા રતનદાસ ઉર્ફે બાવાસાહેબ દાદાની બાવા ફળીયામા આવેલા મંદિરે સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભૂદેવની ઉપસ્થિતિમાં દંપતિઓએ પૂજા અર્ચના કરી હતી. જેમાં સવારથી જ બાવા સાહેબના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી. ઓલપાડ સહિત તાલુકામાંથી ભક્તો ઉમટી પડ્યા હતા અને બાવા સાહેબના દર્શન કરી માનતા માની પૂજા વિધિ કરી હતી. સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ લાભ લીધો હતો. અને રાત્રે સાલગીરી નિમિતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાયરાના કલાકારોએ ભજન સંધ્યાની રમઝટ બોલાવી હતી.
જેમાં સ્થાનિક ભક્તોના જણાવ્યા મુજબ આજે પણ આ મંદીર આસ્થાનું પ્રતિક ગણાય છે લોક વાયકા મુજબ આજે પણ શિવ ભક્તો તેમજ બાવા સાહેબના મંદિરે હજી પણ માનતા માને છે અને ધારેલું ફળ મેળવે છે. અને તેના ઘણા પરચા જોવા મળે છે. દર ગુરુવારે ભક્તો આ મંદિરે દર્શનાર્થે આવી માનતા લઈ પાંચ ગુરુવાર ભરી પોતાની માનતા પૂરી કરે છે. તો કેટલાક ભક્તો આજે પણ મંદિરે ચાલીને આવી બાવા સાહેબના દર્શન કરે છે. આ મંદિરે પરંપરા મુજબ સુખડીનો અને સાકળનો પ્રસાદ દર્શનાર્થે આવેલા ભક્તોને આપવામાં આવે છે. આજે પણ તાલુકાનાં ખલાસીઓ દરિયામાં વાહનની સફળે નીકળતા પહેલા અને સંકટ સમયે બાવા સાહેબને યાદ કરતાં હોય છે. તેમજ તાલુકાનાં કેટલાય ભક્તો આજે પણ પોતાના ખેતરમાં વાવેલ પાકો અનાજ કે શાકભાજી જે કઈ પાક પાકે તે થોડો ભાગ કાઢી મંદિરે અર્પણ કરે છે અને પછી જ તેનો ઉપયોગ કરે છે.


